સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણા માટે પ્રબોધકનો સંદેશ

આપણા માટે પ્રબોધકનો સંદેશ

પહેલું પ્રકરણ

આપણા માટે પ્રબોધકનો સંદેશ

યશાયાહ ૧:૧

૧, ૨. (ક) આજે જગતની કેવી હાલત છે? (ખ) યુ.એસ. સેનેટના એક સભ્યે સમાજના વિનાશ વિષે કઈ ચિંતા વ્યક્ત કરી?

 આપણે આજે ઘણી મુશ્કેલીઓ સહન કરીએ છીએ. કોણ નથી ચાહતું કે આપણને એમાંથી છુટકારો મળે? પરંતુ, મોટે ભાગે આપણી આશા પર પાણી ફરી વળે છે! આપણે શાંતિના સ્વપ્નો જોઈએ છીએ, પણ જ્યાં જુઓ ત્યાં યુદ્ધો નજરે પડે છે. આપણે કાયદા-કાનૂનને વળગી રહીએ છીએ, છતાં વધતી જતી લૂંટફાટ, બળાત્કાર અને મારામારીને રોકી શકતા નથી. આપણે પડોશીઓ પર મિત્રોની જેમ ભરોસો મૂકવા ચાહીએ છીએ, પણ રક્ષણ માટે બારણે તાળાં મારવા પડે છે. આપણે આપણાં બાળકોને ખૂબ જ ચાહીએ છીએ, અને તેઓમાં સારા સંસ્કાર કેળવવા માંગીએ છીએ. પરંતુ, ઘણી વાર તેઓ ખરાબ સોબતે ચડી જાય છે, અને આપણે કંઈ જ કરી શકતા નથી.

ખરેખર, આપણે અયૂબની સાથે સહમત થઈએ છીએ કે મનુષ્યનું ટૂંકું જીવન “સંકટથી ભરપૂર છે.” (અયૂબ ૧૪:૧) ખાસ કરીને આજે આ સાચું છે, કેમ કે સમાજ ઝડપથી વિનાશ તરફ જઈ રહ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ સેનેટના એક સભ્યે કહ્યું: “શીતયુદ્ધ પૂરું થઈ ગયું છે, પરંતુ અફસોસ કે હવે જગત કોમવાદ, જાતિવાદ, ધાર્મિક વેર અને હિંસાનું મેદાન બની ગયું છે. . . . આપણે નીતિ-નિયમને સાવ પડતા મૂક્યા છે. એનાથી, આપણા યુવાનો મૂંઝાઈને નિરાશ થઈ ગયા છે અને ગંભીર સમસ્યાઓ અનુભવે છે. આપણે જે વાવ્યું એ જ લણીએ છીએ. એટલે કે, બાળકોની કાળજી ન લેવી, છૂટાછેડા, બાળક પર જુલમ, નાની ઉંમરે મા-બાપ બનવું, ભણતર પડતું મૂકવું, તેમ જ ડ્રગ્સ અને હિંસા બધી બાજુએ જોવા મળે છે. જાણે કે શીતયુદ્ધ નામના ભૂકંપમાંથી તો આપણું ઘર બચી ગયું, પણ હવે એને ઊધઈ કોરી ખાય રહી છે.”

૩. ખાસ કરીને, બાઇબલનું કયું પુસ્તક ભાવિ માટે આશા આપે છે?

જો કે આપણા માટે આશા છે! કંઈક ૨,૭૦૦ વર્ષો અગાઉ, યહોવાહ પરમેશ્વરે મધ્ય-પૂર્વના એક પ્રબોધકને ભવિષ્ય ભાખવાની પ્રેરણા આપી. એમાં આપણા સમય માટે ખાસ સંદેશા છે. એ પ્રબોધકનું નામ યશાયાહ હતું. તેમના નામના બાઇબલ પુસ્તકમાં એ સંદેશા મળી આવે છે. યશાયાહ કોણ હતા? વળી, કઈ રીતે કહી શકાય કે લગભગ ૩,૦૦૦ વર્ષ પહેલાં લખાયેલી એ ભવિષ્યવાણી, આજે સર્વને આશા આપે છે?

મુશ્કેલ સમયમાં ન્યાયી માણસ

૪. યશાયાહ કોણ હતા, અને તેમણે યહોવાહના પ્રબોધક તરીકે ક્યારે સેવા આપી હતી?

યશાયાહ પોતાના પુસ્તકની પહેલી જ કલમમાં “આમોસના પુત્ર” * તરીકે પોતાની ઓળખાણ આપે છે. તે જણાવે છે કે, “યહુદાહના રાજાઓ ઉઝ્ઝીયાહ, યોથામ, આહાઝ તથા હિઝકીયાહની કારકિર્દીમાં” તેમણે યહોવાહના પ્રબોધક તરીકે સેવા આપી. (યશાયાહ ૧:૧) આમ, યશાયાહે ઓછામાં ઓછાં ૪૬ વર્ષો સુધી, પ્રબોધક તરીકે યહુદાહના દેશમાં સેવા આપી. શક્ય છે કે એની શરૂઆત લગભગ ૭૭૮ બી.સી.ઈ.માં ઉઝ્ઝીયાહના રાજના અંતથી થઈ હોય.

૫, ૬. યશાયાહનું કૌટુંબિક જીવન કેવું હતું અને શા માટે?

બીજા કેટલાક પ્રબોધકો વિષે જાણીએ છીએ, એટલું આપણે યશાયાહ ના જીવન વિષે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે તે પરણેલા હતા અને તેમની પત્નીને તેમણે “પ્રબોધિકા” તરીકે ઓળખાવી. (યશાયાહ ૮:૩) મેક્લીન્ટોક અને સ્ટ્રોંગ્સનો બાઇબલ, ધર્મ, અને સંપ્રદાયનાં સાહિત્યનો જ્ઞાનકોષ (અંગ્રેજી) જણાવે છે કે, યશાયાહના લગ્‍નજીવનમાં પણ “પ્રબોધક તરીકેનું કામ સમાયેલું હતું. એટલું જ નહિ, પરંતુ એ એમાં જ ગૂંથાએલું હતું.” વળી, અગાઉના ઈસ્રાએલમાં યહોવાહનો ભય રાખનારી અમુક સ્ત્રીઓની જેમ, યશાયાહની પત્ની પણ પ્રબોધિકા હોય શકે.—ન્યાયાધીશો ૪:૪; ૨ રાજાઓ ૨૨:૧૪.

યશાયાહ અને તેમની પત્નીને ઓછામાં ઓછા બે પુત્રો હતા. બંનેને પ્રબોધકીય અર્થ ધરાવતા નામ આપવામાં આવ્યાં હતાં. દુષ્ટ રાજા આહાઝને યહોવાહનો સંદેશો આપવા ગયા ત્યારે, તેઓનો પહેલો પુત્ર શઆર-યાશૂબ પણ યશાયાહની સાથે હતો. (યશાયાહ ૭:૩) આમ, યશાયાહ અને તેમની પત્નીએ કુટુંબ તરીકે, યહોવાહની ભક્તિ જીવનમાં પ્રથમ મૂકી હતી. આજે પરણેલા યુગલો માટે તેઓએ કેવું સુંદર ઉદાહરણ બેસાડ્યું!

૭. યશાયાહના સમયના યહુદાહની હાલતનું વર્ણન કરો.

યશાયાહ પોતાના કુટુંબ સાથે યહુદાહમાં રહેતા હતા. યહુદાહની હાલત બહુ ખરાબ હતી. બધે જ રાજકીય અંધાધૂંધી ફેલાયેલી હતી. અદાલતમાં લાંચ વિના કોઈ કામ થતું નહિ અને ઢોંગને કારણે ધાર્મિક રીતે સમાજ પડું પડું થઈ રહ્યો હતો. જ્યાં જુઓ ત્યાં જૂઠા દેવદેવીઓ માટે વેદીઓ ઊભી કરવામાં આવી હતી. અરે કેટલાક રાજાઓએ પણ મૂર્તિપૂજાને પ્રોત્સાહન આપ્યું હતું. દાખલા તરીકે, આહાઝે પોતાની પ્રજાને મૂર્તિપૂજા કરવા દીધી. એટલું જ નહિ, પરંતુ પોતે પણ એમાં ભાગ લીધો અને કનાની દેવ મોલેખને બલિદાન આપવા, પોતાના સંતાનને “અગ્‍નિમાં થઈને ચલાવ્યો.” * (૨ રાજાઓ ૧૬:૩, ૪; ૨ કાળવૃત્તાંત ૨૮:૩, ૪) આ સર્વ એવા લોકોએ કર્યું, જેઓએ ફક્ત યહોવાહ પરમેશ્વરની જ ભક્તિ કરવાનો કરાર કર્યો હતો!—નિર્ગમન ૧૯:૫-૮.

૮. (ક) રાજા ઉઝ્ઝીયાહ અને રાજા યોથામે કેવું ઉદાહરણ પૂરું પાડ્યું અને એનાથી લોકોમાં કોઈ સુધારો આવ્યો? (ખ) કઈ રીતે યશાયાહે હઠીલા લોકો મધ્યે હિંમત બતાવી?

જો કે ખુશીની વાત એ છે કે, યશાયાહના સમયમાં કેટલાકે સાચી ઉપાસનાને વળગી રહેવાના પ્રયત્નો કર્યા, જેઓમાં અમુક શાસકો પણ હતા. રાજા ઉઝ્ઝીયાહ તેઓમાંના એક હતા, જેમણે “યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું.” તેમ છતાં, લોકો તેમના રાજમાં “ઊચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા.” (૨ રાજાઓ ૧૫:૩, ૪) રાજા યોથામે પણ “યહોવાહની દષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું.” પરંતુ “હજી સુધી લોકો અમંગળ કર્મો કર્યા કરતા હતા.” (૨ કાળવૃત્તાંત ૨૭:૨) હા, યશાયાહની સેવાના મોટા ભાગના સમયમાં, યહુદાહનું રાજ્ય ધાર્મિક અને નૈતિક રીતે દયાજનક હાલતમાં હતું. રાજાઓએ કરેલાં સારાં કાર્યોની લોકો પર કોઈ અસર પડી નહિ. તેથી, સમજી શકાય કે આ હઠીલા લોકોને યહોવાહના સંદેશા આપવા કંઈ સહેલું કામ નહિ હોય. પરંતુ, યશાયાહ ગભરાયા નહિ. યહોવાહ પરમેશ્વરે પૂછ્યું કે “હું કોને મોકલું? અમારે સારૂ કોણ જશે?” ત્યારે, યશાયાહે તરત જ કહ્યું: “હું આ રહ્યો; મને મોકલ.”—યશાયાહ ૬:૮.

તારણનો સંદેશ

૯. યશાયાહના નામનો અર્થ શું થાય અને એ તેમના પુસ્તકના વિષય સાથે કઈ રીતે બંધબેસે છે?

યશાયાહના નામનો અર્થ થાય, “યહોવાહ તરફથી તારણ” અને એ જ તેમના સંદેશનો વિષય પણ હતો. ખરું કે, યશાયાહની અમુક ભવિષ્યવાણીઓ ન્યાયચુકાદા વિષેની છે. તેમ છતાં, તારણનો વિષય એકદમ સ્પષ્ટ દેખાય આવે છે. યશાયાહે વારંવાર જણાવ્યું કે, યહોવાહ નક્કી કરેલા સમયે ઈસ્રાએલી લોકોને બાબેલોનની ગુલામીમાંથી છોડાવશે. જેથી, બાકી રહેલા લોકો પાછા સિયોન જઈ શકે, અને દેશને અગાઉના જેવો સુંદર બનાવી શકે. પોતાના વહાલા વતન યરૂશાલેમને અગાઉના જેવું સુંદર બનાવવાની ભવિષ્યવાણી કરવાનો અને લખવાનો લહાવો મળવાથી યશાયાહને ખૂબ જ આનંદ થયો હશે!

૧૦, ૧૧. (ક) શા માટે આપણે યશાયાહના પુસ્તક વિષે જાણવું જોઈએ? (ખ) યશાયાહનું પુસ્તક કઈ રીતે મસીહ તરફ આપણું ધ્યાન ખેંચે છે?

૧૦ જો કે આ ન્યાયચુકાદા અને તારણના સંદેશાને આપણી સાથે શું લાગે-વળગે છે? ખુશીની વાત છે કે યશાયાહ ફક્ત યહુદાહના બે કુળવાળા રાજ્યના લાભ માટે જ એ ભાવિ ભાખી રહ્યા ન હતા. એને બદલે, તેમના સંદેશાનું આપણા સમય માટે પણ ખાસ મહત્ત્વ રહેલું છે. યશાયાહ સુંદર શબ્દોથી વર્ણન કરે છે કે જલદી જ યહોવાહ પરમેશ્વરનું રાજ્ય આપણી પૃથ્વી માટે મહાન આશીર્વાદો લાવશે. એ વિષે યશાયાહના લખાણનો મોટો ભાગ આવનાર મસીહ તરફ ધ્યાન દોરે છે, જે યહોવાહના રાજ્યના રાજા તરીકે રાજ કરશે. (દાનીયેલ ૯:૨૫; યોહાન ૧૨:૪૧) આમ, યશાયાહ અને ઈસુના નામનો અર્થ લગભગ એક સરખો જ થાય છે. એ કંઈ નવાઈ પમાડતું નથી, કેમ કે ઈસુના નામનો અર્થ થાય “યહોવાહ તારણ છે.”

૧૧ એ ખરું છે કે યશાયાહથી લગભગ સાત સદીઓ પછી ઈસુ જન્મ્યા. તોપણ, યશાયાહના પુસ્તકની મસીહી ભવિષ્યવાણીઓ ઘણી માહિતીથી ભરેલી અને સાચી છે. એવું લાગે કે જાણે પૃથ્વી પર ઈસુનું જીવન નજરે જોનારે જ એ માહિતી લખી હશે. એક લખાણ જણાવે છે કે એ કારણે જ, યશાયાહના પુસ્તકને અમુક વખત “પાંચમી સુવાર્તા” પણ કહેવામાં આવે છે. તેથી, એમાં કંઈ નવાઈ નથી કે મસીહની ઓળખાણ સ્પષ્ટ કરવા, ઈસુ અને તેમના પ્રેષિતોએ સૌથી વધારે યશાયાહના બાઇબલ પુસ્તકનો ઉપયોગ કર્યો હતો.

૧૨. યશાયાહના પુસ્તક વિષે જાણવા, આપણે શા માટે આતુર હોવા જોઈએ?

૧૨ યશાયાહના પુસ્તકમાં “નવાં આકાશ તથા નવી પૃથ્વી” જેવા સુંદર શબ્દોનું વર્ણન મળે છે. એમાં “રાજા ન્યાયથી રાજ કરશે” અને સરદારો ઇન્સાફ કરશે. (યશાયાહ ૩૨:૧, ૨; ૬૫:૧૭, ૧૮; ૨ પીતર ૩:૧૩) આમ, યશાયાહનું પુસ્તક આપણને યહોવાહના રાજ્યની અજોડ આશા આપે છે, જેના રાજા મસીહ ઈસુ ખ્રિસ્ત છે. આપણને એનાથી કેટલું ઉત્તેજન મળે છે કે આપણે આનંદથી દરેક દિવસે ‘યહોવાહના તારણની’ વાટ જોતા રહીએ! (યશાયાહ ૨૫:૯; ૪૦:૨૮-૩૧) તેથી, ચાલો આપણે યશાયાહના પુસ્તકનો મૂલ્યવાન સંદેશો ઉત્સાહથી તપાસીએ. આમ, યહોવાહનાં વચનોમાં આપણો ભરોસો વધુ દૃઢ બનશે. તેમ જ, આપણો વિશ્વાસ પણ વધશે કે ખરેખર યહોવાહ જ આપણું તારણ છે.

[ફુટનોટ્‌સ]

^ યશાયાહના પિતા એ આમોસ નથી, જેમણે પોતાના નામનું બાઇબલ પુસ્તક લખ્યું અને ઉઝ્ઝીયાહના રાજની શરૂઆતમાં ભવિષ્યવાણી ભાખી.

^ કેટલાકનું કહેવું છે કે, ‘અગ્‍નિમાં થઈને ચાલવું,’ ફક્ત શુદ્ધ થવાની વિધિ હોય શકે. જો કે એ શબ્દોની આગળ-પાછળનો અર્થ બતાવે છે કે ખરેખર એ બલિદાન આપવાને દર્શાવે છે. હા, કનાનીઓ અને ધર્મત્યાગી ઈસ્રાએલીઓ બાળકોનાં બલિદાન આપતા હતા.—પુનર્નિયમ ૧૨:૩૧; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૭, ૩૮.

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૭ પર બોક્સ/ચિત્ર]

યશાયાહ કોણ હતા?

નામનો અર્થ: “યહોવાહ તરફથી તારણ”

કુટુંબ: પરિણીત, ઓછામાં ઓછા બે પુત્રો

રહેઠાણ: યરૂશાલેમ

સેવાનો સમય: ઓછામાં ઓછા ૪૬ વર્ષ, લગભગ ૭૭૮ બી.સી.ઈ.થી લગભગ ૭૩૨ બી.સી.ઈ.

યહુદાહમાં એ સમયના રાજાઓ: ઉઝ્ઝીયાહ, યોથામ, આહાઝ, હિઝકીયાહ

એ સમયના પ્રબોધકો: મીખાહ, હોશિયા, ઓદેદ

[પાન ૬ પર ચિત્ર]

યશાયાહ અને તેમની પત્નીએ કુટુંબમાં યહોવાહની ભક્તિ પ્રથમ મૂકી