સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૩

પ્રલયમાંથી સારા લોકો બચી જાય છે

પ્રલયમાંથી સારા લોકો બચી જાય છે

ઈશ્વર સર્વ દુષ્ટ લોકોનો નાશ કરે છે. નૂહ અને તેમના કુટુંબને બચાવે છે

ધીરે ધીરે ધરતી પર લોકો વધતા ગયા. ખરાબ લોકો પણ વધવા લાગ્યા. પણ તેઓમાં ભગવાનનો એક માણસ હતો. તેમનું નામ હનોખ. તે બધાને ચેતવતા: ‘સુધરી જાઓ, ભગવાન એક દિવસે ખરાબ લોકોનો નાશ કરશે.’ તોપણ લોકો સુધર્યા નહિ. અરે, અમુક સ્વર્ગદૂતોને પણ બૂરાઈનો રંગ લાગ્યો. તેઓ માણસનું રૂપ લઈને ધરતી પર આવ્યા. સ્ત્રીઓને પત્ની બનાવી. તેઓને જે બાળકો થયા એ કદાવર અને જુલમી હતા. ખૂન-ખરાબીમાં ડૂબેલા હતા. એનાથી આખી પૃથ્વી હિંસાથી ભરાઈ ગઈ. એ જોઈને ઈશ્વરને ખૂબ દુઃખ થયું.

હનોખના મરણ પછી નૂહ થઈ ગયા. તે પણ ભગવાનના માણસ હતા. તેમનું કુટુંબ પણ યહોવાને ભજતું હતું. આખરે ધરતી પર પાપનો બોજ વધી ગયો. એટલે ઈશ્વરે પ્રલય લાવીને પાપીઓનો નાશ કરવાનું નક્કી કર્યું. પણ ઈશ્વર ચાહતા હતા કે નૂહ, તેમનું કુટુંબ તથા અનેક પ્રાણીઓ બચી જાય. એટલે નૂહને પેટી જેવું મોટું વહાણ બાંધવાનું કહ્યું. એ બાંધતા નૂહને આશરે પચાસ વર્ષ લાગ્યા. એ વર્ષોમાં તેમણે લોકોને આવનાર પ્રલય વિષે પણ ચેતવણી આપી. પણ કોઈએ સાંભળ્યું નહિ. તેઓ પાપ-વિલાસમાં જ ડૂબેલા રહ્યાં. (૨ પિતર ૨:૫) ઈશ્વરે કહ્યું ત્યારે નૂહ, તેમનું કુટુંબ અને પ્રાણીઓ વહાણમાં ગયા. ઈશ્વરે વહાણનો દરવાજો બંધ કર્યો. પછી વરસાદ વરસ્યો.

ચાલીશ દિવસ અને ચાલીશ રાત ધોધમાર વરસાદ પડ્યો. આખી પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ. બધા જ ખરાબ લોકો મરી ગયા. મહિનાઓ પછી વહાણ એક પહાડ પર થોભ્યું. પણ પાણી ઓસર્યા ન હતા એટલે નૂહ અને તેમનું કુટુંબ અંદર જ રહ્યાં. તેઓ બધું થઈને લગભગ એક વર્ષ વહાણમાં રહ્યાં. પછી એમાંથી નીકળ્યા પછી યહોવાનો અહેસાન માનવા નૂહે અર્પણ ચઢાવ્યું. યહોવાને ખૂબ જ ગમ્યું. તેમણે નૂહને વચન આપ્યું: ‘હવેથી હું કદીયે આખી દુનિયાનો પ્રલયથી નાશ નહિ કરું.’ એ વચનની યાદ અપાવવા તેમણે નૂહને પહેલી વાર મેઘધનુષ્ય બતાવ્યું.

પછી ઈશ્વરે અમુક નવા નિયમો આપ્યાં. તેમણે પ્રાણીઓનું માંસ ખાવાની રજા આપી. પણ એનું લોહી ખાવા-પીવાની સાફ મના કરી. તેમણે નૂહના કુટુંબને આજ્ઞા આપી કે પરિવાર વધારો ને આખી ધરતી પર ફેલાઈ જાઓ. પણ વર્ષો પછી તેઓમાંથી આવતી પેઢીને ધરતી પર ફેલાવું ન હતું, એક જ જગ્યાએ રહેવું હતું. તેઓએ નિમ્રોદને રાજા બનાવ્યો. તેણે લોકોને બાબેલમાં ગગનચુંબી બુરજ બાંધવાનું કહ્યું. તેઓનો એ મકસદ પાર ન પડે માટે ઈશ્વરે શું કર્યું? એ જમાનામાં લોકો એક જ ભાષા બોલતા હતા. એટલે ઈશ્વરે ચમત્કારથી તેઓને જુદી જુદી ભાષાઓ બોલતા કર્યા. તેઓ એકબીજાની ભાષા સમજતા નહિ. એટલે બુરજ બાંધવાનું પડતું મૂકીને તેઓ ચારે દિશામાં વિખેરાઈ ગયા. સમય જતા, એ શહેર બાબિલોન નામથી ઓળખાયું.

આ માહિતી ઉત્પત્તિ ૬-૧૧; અધ્યાય; યહૂદા ૧૪, ૧૫માંથી છે.