સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાઠ ૨૧

આખી દુનિયામાં યહોવાનો સંદેશો જણાવવા શું કરવામાં આવે છે?

આખી દુનિયામાં યહોવાનો સંદેશો જણાવવા શું કરવામાં આવે છે?

યહોવા ઈશ્વર બહુ જલદી પોતાના રાજ્ય દ્વારા આપણી બધી દુઃખ-તકલીફો દૂર કરવાના છે. એ કેટલી ખુશીની વાત છે! શું તમને નથી લાગતું કે એ ખુશખબર બધાએ જાણવાની જરૂર છે? ઈસુ પણ એવું જ ચાહતા હતા, એટલે તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ એ ખુશખબર બધાને જણાવે. (માથ્થી ૨૮:​૧૯, ૨૦) યહોવાના સાક્ષીઓ ઈસુની આજ્ઞા કઈ રીતે પાળે છે? ચાલો જોઈએ.

૧. માથ્થી ૨૪:૧૪માં લખેલા શબ્દો આજે કઈ રીતે સાચા પડી રહ્યા છે?

ઈસુએ કહ્યું હતું: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે.” (માથ્થી ૨૪:૧૪) અમે યહોવાના સાક્ષીઓ ખુશી ખુશી આ મહત્ત્વનું કામ કરી રહ્યા છીએ. અમે આખી દુનિયામાં ૧,૦૦૦ કરતાં વધુ ભાષાઓમાં ખુશખબર ફેલાવીએ છીએ. આટલા મોટા પાયે આ કામ કરવા ઘણો સમય લાગે, સખત મહેનત કરવી પડે અને ઘણી યોજનાઓ બનાવવી પડે. શું યહોવાની મદદ વગર આ કામ પૂરું થઈ શકે? જરાય નહિ.

૨. દરેકને ખુશખબર જણાવવા અમે શું કરીએ છીએ?

અમે જ્યાં પણ લોકો મળે ત્યાં તેઓને ખુશખબર જણાવીએ છીએ. પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ અમે “ઘરે ઘરે” જઈને ખુશખબર જણાવીએ છીએ. (પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨) આ રીતે અમે દર વર્ષે લાખો-કરોડો લોકોને યહોવાનો સંદેશો જણાવીએ છીએ. અમુક વાર લોકો ઘરે નથી મળતા. એટલે અમે બજારોમાં અને બીજી જગ્યાઓએ પણ યહોવાનો સંદેશો જણાવીએ છીએ. યહોવા કોણ છે અને ધરતી પર કેવા આશીર્વાદો લાવશે, એ ઘણા લોકો નથી જાણતા. એ વિશે બધાને જણાવવા અમે બનતું બધું જ કરીએ છીએ.

૩. ખુશખબર જણાવવાની જવાબદારી કોની છે?

ખુશખબર જણાવવાની જવાબદારી એ બધા જ લોકોની છે, જેઓ ઈસુના પગલે ચાલે છે. અમારા માટે એ કામ બહુ મહત્ત્વનું છે, કેમ કે લોકોના જીવન-મરણનો સવાલ છે. એટલે લોકોને ખુશખબર જણાવવા અમે બનતું બધું કરીએ છીએ. (૧ તિમોથી ૪:૧૬ વાંચો.) એ કામ માટે અમે કોઈ પૈસા લેતા નથી. કેમ કે બાઇબલમાં લખ્યું છે: “તમને મફત મળ્યું છે, મફત આપો.” (માથ્થી ૧૦:​૭, ૮) ઘણા લોકો અમારો સંદેશો સાંભળતા નથી, તોપણ અમે ખુશખબર જણાવતા રહીએ છીએ. એમ કરીને અમે યહોવાની આજ્ઞા પાળીએ છીએ અને તેમનું દિલ ખુશ કરીએ છીએ.

વધારે જાણો

આખી દુનિયામાં ખુશખબર જણાવવા યહોવાના સાક્ષીઓ કેટલી મહેનત કરે છે? યહોવા કઈ રીતે અમને મદદ કરે છે? ચાલો જોઈએ.

૪. બધા લોકોને ખુશખબર જણાવવા અમે મહેનત કરીએ છીએ

દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકોને ખુશખબર જણાવવા યહોવાના સાક્ષીઓ સખત મહેનત કરે છે. વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.

  • આ વીડિયોમાં જોયું તેમ, યહોવાના સાક્ષીઓ લોકોને ખુશખબર જણાવવા ખૂબ મહેનત કરે છે. એમાંથી તમને શું ગમ્યું?

માથ્થી ૨૨:૩૯ અને રોમનો ૧૦:૧૩-૧૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • પ્રચારકામથી કઈ રીતે દેખાઈ આવે છે કે અમે બધા લોકોને પ્રેમ કરીએ છીએ?

  • જેઓ ખુશખબર ફેલાવે છે, તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?​—કલમ ૧૫ જુઓ.

૫. અમે ઈશ્વરના સાથી કામદારો છીએ

ઘણા અનુભવો બતાવે છે કે યહોવાના માર્ગદર્શનથી પ્રચારકામ આગળ વધી રહ્યું છે. ચાલો ન્યૂ ઝીલૅન્ડનો એક અનુભવ જોઈએ. પૉલ નામના ભાઈ બપોરના સમયે ઘર ઘરનું પ્રચારકામ કરતા હતા. એ સમયે તેમને એક સ્ત્રી મળી. એ સ્ત્રીએ સવારે જ ઈશ્વરનું નામ યહોવા લઈને પ્રાર્થના કરી હતી કે કોઈક આવીને તેને યહોવા વિશે શીખવે. પૉલભાઈ કહે છે: “એ સ્ત્રીએ પ્રાર્થના કરી એના ત્રણ કલાક પછી મેં તેમના ઘરનું બારણું ખખડાવ્યું.”

૧ કોરીંથીઓ ૩:૯ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • પૉલભાઈની જેમ ઘણાં ભાઈ-બહેનોને આવા અનુભવો થયા છે. એનાથી કઈ રીતે ખબર પડે છે કે પ્રચારકામ યહોવાના માર્ગદર્શનથી થઈ રહ્યું છે?

પ્રેરિતોનાં કાર્યો ૧:૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • પ્રચારકામ પૂરું કરવા આપણને યહોવાની મદદની કેમ જરૂર છે?

જાણવા જેવું

અઠવાડિયા દરમિયાન થતી સભામાં શીખવવામાં આવે છે કે ખુશખબર કઈ રીતે જણાવવી. શું તમે કદી એ સભામાં આવ્યા છો? શું તમને લાગે છે કે ત્યાં મળતી તાલીમથી ફાયદો થાય છે?

૬. અમે ઈશ્વરની આજ્ઞા પાળીએ છીએ, એટલે પ્રચાર કરીએ છીએ

પહેલી સદીમાં ઈસુના શિષ્યો જાણતા હતા કે તેઓને પ્રચાર કરવાનો પૂરેપૂરો હક છે. પણ વિરોધીઓએ તેઓનો એ હક છીનવી લેવાની કોશિશ કરી, ત્યારે શિષ્યોએ ‘પ્રચાર માટે કાયદેસર હક મેળવ્યો.’ (ફિલિપીઓ ૧:૭) આજે યહોવાના સાક્ષીઓ પણ એમ જ કરે છે. a

પ્રેરિતોનાં કાર્યો ૫:૨૭-૪૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

જો કોઈ પૂછે: “યહોવાના સાક્ષીઓ કેમ ઘરે ઘરે જાય છે?”

  • તમે શું કહેશો?

આપણે શીખી ગયા

ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી હતી કે તેઓ આખી દુનિયામાં ખુશખબર જણાવે. એ કામ કરવા યહોવા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે.

તમે શું કહેશો?

  • દરેક જણને ખુશખબર જણાવવા શું કરવામાં આવે છે?

  • પ્રચારકામથી કઈ રીતે દેખાઈ આવે છે કે અમે બીજા લોકોને પ્રેમ કરીએ છીએ?

  • શું તમને લાગે છે કે ખુશખબર જણાવવાથી ખુશી મળે છે? શા માટે?

આટલું કરો

વધારે માહિતી

યહોવાના સાક્ષીઓ કઈ રીતે મોટાં શહેરોમાં ખુશખબર જણાવે છે, એ જાણવા આ વીડિયો જુઓ.

જાહેરમાં ખુશખબર જણાવવાની ખાસ ગોઠવણ​—પૅરીસ (૫:૧૧)

યહોવાના સાક્ષીઓએ શરણાર્થીઓને મદદ કરવા શું કર્યું છે?

શરણાર્થીઓને દેખાયું આશાનું એક કિરણ (૫:૫૯)

માર્ગરીટાબહેને આખું જીવન યહોવાની સેવા કરી અને એનાથી તેમને ખુશી મળી. ચાલો તેમનો અનુભવ સાંભળીએ.

મારા જીવનનો સૌથી સારો નિર્ણય (૬:૨૯)

એવા અમુક મુકદ્દમા વિશે જાણો, જેમાં યહોવાના સાક્ષીઓને જીત મળી છે અને જેના લીધે તેઓ રોકટોક વગર ખુશખબર જણાવી શકે છે.

“ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરનારાઓ કોર્ટનો દરવાજો ખખડાવે છે” (ઈશ્વરનું રાજ્ય રાજ કરે છે, પ્રકરણ ૧૩, હિંદી)

a યહોવા ઈશ્વરે પોતે અમને ખુશખબર જણાવવાનો અધિકાર આપ્યો છે. એટલે ખુશખબર જણાવવા માટે યહોવાના સાક્ષીઓને સરકારની મંજૂરીની જરૂર નથી.