સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

“હવે મારે દુનિયા બદલવાની જરૂર નથી”

“હવે મારે દુનિયા બદલવાની જરૂર નથી”
  • જન્મઃ ૧૯૬૬

  • દેશ: ફિનલૅન્ડ

  • ભૂતકાળઃ સામાજિક કાર્યકર્તા

મારા વિશે:

મને નાનપણથી જ ઝાડ-પાન અને લીલોતરી બહુ ગમતા. હું યુવાસ્કૂલા નામના શહેરમાં મોટો થયો. આ શહેરની આસપાસ અનેક ગાઢ જંગલો અને સુંદર સરોવરો હતા. અમારું કુટુંબ અવારનવાર ત્યાં જતું. મને નાનપણથી જ પ્રાણીઓ બહુ ગમતા. અરે, કૂતરા કે બિલાડી જેવા પ્રાણીને જોતાં જ મને ઊંચકી લેવાનું મન થતું. મોટો થતો ગયો તેમ, મેં જોયું કે પ્રાણીઓ પર ઘણો અત્યાચાર કરવામાં આવે છે. એ જોઈને મને બહુ દુઃખ થતું. સમય જતાં, હું પ્રાણીઓનું રક્ષણ કરતી સંસ્થા સાથે જોડાઈ ગયો. ત્યાં હું એવા લોકોને મળ્યો જેઓ મારા જેવું જ વિચારતા હતા.

પ્રાણીઓનું રક્ષણ કરવા અમે ઘણું બધું કર્યું. એ વિશે અમે લોકોને માહિતી આપતા. પ્રાણીઓની રુંવાટીમાંથી બનેલી વસ્તુઓ વેચાતી હોય એવી દુકાનો વિરુદ્ધ આંદોલન કરતા. મેં કેટલાક લોકો સાથે મળીને એક નવી સંસ્થા શરૂ કરી. અમુક સમયે અમે કાયદો હાથમાં લઈ લેતા. એના લીધે ઘણી વાર જેલની હવા ખાવી પડી અને કોર્ટના ધક્કા પણ ખાવા પડ્યા.

એ સિવાય પણ દુનિયામાં બીજી ઘણી મુશ્કેલીઓ હતી. એ જોઈને હું બહુ દુઃખી થઈ જતો. એટલા માટે હું એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને ગ્રીનપીસ જેવી સંસ્થાઓ સાથે જોડાયો. એ સંસ્થાના કાર્યોમાં હું આગળ પડતો ભાગ લેતો. ગરીબ અને ભૂખ્યાં લોકોના હક માટે લડતો.

જોકે આ સંસ્થાઓએ અમુક નાની-નાની મુશ્કેલીઓ તો દૂર કરી, પણ મોટી મુશ્કેલીઓ તો વધતી ગઈ. કોઈને કોઈની પડી ન હતી. એવું લાગતું કે આ દુનિયા દુષ્ટ શક્તિના હાથમાં છે. હું સમજી ગયો કે દુનિયામાં ફેરફાર લાવવો મારા ગજા બહારની વાત છે.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:

મને કોઈ રસ્તો દેખાતો ન હતો. એટલે હું ઈશ્વર તરફ ફર્યો અને બાઇબલ વાંચવાનું વિચાર્યું. અગાઉ હું યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખતો હતો. મને યાદ છે કે તેઓ બહુ સારા લોકો હતા. મારી સાથે પ્રેમથી વર્તતા હતા. પરંતુ એ સમયે હું મારા જીવનમાં કોઈ ફેરફાર કરવા માંગતો ન હતો. પણ હવે મારા સંજોગો બદલાઈ ગયા હતા.

મેં મારું બાઇબલ શોધી કાઢ્યું અને વાંચવાનું શરૂ કર્યું. મને શીખવા મળ્યું કે જાનવરો પર અત્યાચાર ન કરવો જોઈએ. દાખલા તરીકે નીતિવચનો ૧૨:૧૦ કહે છે, ‘સારો માણસ પોતાનાં જાનવરોની સંભાળ રાખે છે.’ એ વાંચીને મારા દિલને ઠંડક મળી. હું સમજી ગયો કે ઈશ્વર આપણાં પર દુઃખ-તકલીફો લાવતા નથી. પણ જ્યારે ઈશ્વરની આજ્ઞાઓ પાળતા નથી, ત્યારે દુઃખ-તકલીફો આવે છે. હું એ પણ શીખ્યો કે ઈશ્વર આપણને બહુ પ્રેમ કરે છે અને આપણી સાથે ધીરજથી વર્તે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૮-૧૪.

એ જ સમયે મેં યહોવાના સાક્ષીઓની ઑફિસે એક પત્ર લખ્યો અને પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક મંગાવ્યું. એના થોડા જ સમય પછી યહોવાના સાક્ષીઓ મારા ઘરે આવ્યા. તેઓએ મને બાઇબલ અભ્યાસ માટે પૂછ્યું. મેં તરત જ હા પાડી દીધી. સમય જતાં હું તેઓની સભાઓમાં જવા લાગ્યો. બાઇબલ સત્યની મારા દિલ પર ઊંડી અસર પડી.

ધીરે ધીરે હું જીવનમાં ફેરફાર કરવા લાગ્યો. મેં સિગારેટ પીવાનું છોડી દીધું. દારૂ પીવાનું ઓછું કરી દીધું. મેં મારા દેખાવમાં સુધારો કર્યો અને ગંદી ભાષા બોલવાનું બંધ કર્યું. પહેલા હું અધિકારીઓને માન આપતો ન હતો. પરંતુ બાઇબલમાંથી શીખ્યો કે અધિકારીઓને માન આપવું જોઈએ. (રોમનો ૧૩:૧) અગાઉ હું અનૈતિક કામો કરતો હતો, પણ હવે મેં એ બધાં કામ છોડી દીધા.

હું જે સંસ્થાઓ સાથે જોડાયેલો હતો એમાંથી બહાર નીકળવું કંઈ સહેલું ન હતું. મને એવું લાગતું જાણે હું તેઓ સાથે દગો કરી રહ્યો છું. પણ હું શીખ્યો કે ઈશ્વરનું રાજ્ય જ આખી દુનિયાની મુશ્કેલીઓ દૂર કરશે. એટલે, મેં નક્કી કર્યું કે હું ઈશ્વરના રાજ્યને જ ટેકો આપીશ અને બીજાઓને પણ એના વિશે જણાવીશ.—માથ્થી ૬:૩૩.

મને કઈ રીતે ફાયદો થયોઃ

પહેલાં હું એવું વિચારતો હતો કે દુનિયામાં બે જ પ્રકારના લોકો છે, સારા અને ખરાબ. મને જે લોકો ખરાબ લાગતા તેઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતો. પણ બાઇબલમાંથી શીખ્યો કે આપણે કોઈને નફરત ન કરવી જોઈએ. હવે હું બધા જ લોકોને પ્રેમ કરું છું અને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે જણાવું છું. (માથ્થી ૫:૪૪) લોકો એ રાજ્ય વિશે શીખે છે ત્યારે તેઓને સાચી ખુશી, મનની શાંતિ અને સારા ભાવિની આશા મળે છે.

હવે મેં બધું જ યહોવાના હાથમાં છોડી દીધું છે. એનાથી મને ઘણી રાહત મળે છે. મને પૂરો ભરોસો છે કે માણસો અને પ્રાણીઓની મુશ્કેલીઓ ઈશ્વર જલદી જ દૂર કરશે. તેમ જ આ સુંદર ધરતીનો પણ નાશ નહિ થવા દે. બાઇબલમાં લખ્યું છે તેમ ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા આ ધરતીની રોનક પાછી લાવશે. (યશાયા ૧૧:૧-૯) હું ઘણો ખુશ છું કે બાઇબલમાંથી મને સત્ય શીખવા મળ્યું અને બીજાઓને પણ એ વિશે શીખવી રહ્યો છું. હવે મારે દુનિયા બદલવાની જરૂર નથી.