સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ભાગ ૯

કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરો

કુટુંબ સાથે મળીને યહોવાની ભક્તિ કરો

‘જેમણે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં, તેમની ભક્તિ કરો.’—પ્રકટીકરણ ૧૪:૭

આ પુસ્તિકામાંથી તમે બાઇબલના ઘણા સિદ્ધાંતો શીખ્યા, જે તમને અને તમારા કુટુંબને મદદ કરશે. યહોવા ચાહે છે કે તમે હંમેશાં ખુશ રહો. તે વચન આપે છે કે તેમની ભક્તિને જીવનમાં પ્રથમ મૂકશો તો, ‘બધી વસ્તુઓ તમને અપાશે.’ (માથ્થી ૬:૩૩) યહોવા ચાહે છે કે તમે તેમના મિત્ર બનો. તેમની સાથે ગાઢ સંબંધ કેળવવા બનતું બધું જ કરો. એમ કરવું દરેક વ્યક્તિ માટે એક મોટો લહાવો છે.—માથ્થી ૨૨:૩૭, ૩૮.

૧ યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવો

બાઇબલ શું કહે છે? યહોવા કહે છે કે, ‘હું તમારો પિતા થઈશ, અને તમે મારાં દીકરા-દીકરીઓ થશો.’ (૨ કોરીંથી ૬:૧૮) યહોવા ચાહે છે કે તમે તેમના ખાસ મિત્ર બનો. એમ કરવાની એક રીત છે, પ્રાર્થના. યહોવા ચાહે છે કે તમે ‘હંમેશાં પ્રાર્થના કરતા’ રહો. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭) તમારા દિલના વિચારો અને ચિંતાઓ જાણવા યહોવા આતુર છે. (ફિલિપી ૪:૬) તમારી પ્રાર્થનાથી કુટુંબનું દરેક સભ્ય જોઈ શકશે કે તમને યહોવા માટે કેટલો પ્રેમ છે.

ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરવી જ પૂરતી નથી, તે શું કહે છે એ સાંભળવું પણ ખૂબ જરૂરી છે. એ માટે બાઇબલનો અને યહોવાના સંગઠને બહાર પાડેલાં સાહિત્યનો અભ્યાસ કરવો જરૂરી છે. (ગીતશાસ્ત્ર ૧:૧, ૨) અભ્યાસમાંથી જે શીખો એના પર વિચાર કરો. (ગીતશાસ્ત્ર ૭૭:૧૧, ૧૨) ઈશ્વરનું સાંભળવા માટે સભાઓમાં પણ નિયમિત જવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૧૨૨:૧-૪.

યહોવા સાથેનો સંબંધ મજબૂત બનાવવાની બીજી રીત છે, તેમના વિશે લોકોને જણાવવું. એમ કરતા રહેશો તો, તેમની સાથેનો સંબંધ મજબૂત બનતો જશે.—માથ્થી ૨૮:૧૯, ૨૦.

તમે શું કરી શકો?

  • દરરોજ બાઇબલ વાંચવા અને પ્રાર્થના કરવા સમય કાઢો

  • કુટુંબ તરીકે, મનોરંજન અને મોજમજાને બદલે યહોવાની ભક્તિને જીવનમાં પ્રથમ રાખો

૨ કુટુંબ તરીકે ભક્તિનો આનંદ માણો

બાઇબલ શું કહે છે? “ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) નિયમિત રીતે કુટુંબ તરીકે ભક્તિ કરવાની ગોઠવણ કરો. * એને વળગી રહેવા બનતું બધું કરો. (ઉત્પત્તિ ૧૮:૧૯) તમારાં વાણી-વર્તનથી પણ બતાવો કે યહોવા તમારા માટે સૌથી મહત્ત્વના છે. ‘જ્યારે તમે ઘરમાં બેઠા હો, રસ્તે ચાલતા હો, સૂતા હો કે જાગતા હો,’ ત્યારે કુટુંબ સાથે યહોવા વિશે વાત કરો. એનાથી યહોવા સાથે કુટુંબનો સંબંધ મજબૂત બનશે. (પુનર્નિયમ ૬:૬, ૭) યહોશુઆની જેમ તમે પણ દૃઢ નિર્ણય કરો કે, “હું ને મારા ઘરનાં તો યહોવાની જ સેવા કરીશું.”—યહોશુઆ ૨૪:૧૫.

તમે શું કરી શકો?

  • કુટુંબના દરેક સભ્યની જરૂરિયાત પ્રમાણે નિયમિત અને સારી રીતે શિક્ષણ આપવાની ગોઠવણ કરો

^ ફકરો. 13 વધારે માહિતી માટે યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? પુસ્તિકાનો પાઠ ૧૦, “કુટુંબ તરીકે ભક્તિ એટલે શું?” જુઓ.