ગુજરાતી
મમ્મી-પપ્પા મને કેમ મજા નથી કરવા દેતા?
https://cms-imgp.jw-cdn.org/img/p/502012515/univ/art/502012515_univ_sqr_xl.jpg
ijwyp લેખ ૬

યુવાનો પૂછે છે

મમ્મી-પપ્પા મને કેમ મજા નથી કરવા દેતા?

મમ્મી-પપ્પા મને કેમ મજા નથી કરવા દેતા?

 તમારા દોસ્તોએ તમને વિકેન્ડ પર પાર્ટીમાં બોલાવ્યા છે. તમે તમારાં મમ્મી-પપ્પાને પૂછો છો કે, શું હું જઈ શકું? પણ તેઓ તરત “ના” પાડી દે છે. તમને ખબર જ હતી કે, તે ના જ પાડશે. કેમ કે, તેમણે પહેલાં પણ એવું જ કર્યું હતું.

આ લેખમાં જોઈશું:

 મમ્મી-પપ્પા હંમેશા કેમ ના પાડી દે છે?

 તમને કદાચ થાય કે મમ્મી-પપ્પા તો બધી વાતમાં ના જ પાડ્યા કરે છે, તેઓ નથી ચાહતા કે હું મજા કરું.

 જ્યારે ૧૭ વર્ષની મેરીને પોતાનો પહેલો ફોન મળ્યો, ત્યારે તેને પણ એવું જ લાગ્યું હતું. તે કહે છે: “પપ્પાએ ઘણા નિયમો બનાવી દીધા હતા. જેમ કે, હું કઈ એપ ડાઉનલોડ કરી શકું, કોની સાથે વાત કરી શકું અને કેટલા વાગ્યા સુધી ફોન વાપરી શકું. પણ મારી બેનપણીઓ માટે એવું ન હતું, તેઓ તો ચાહે એ કરી શકતી હતી.”

 વિચારવા જેવું: શું મેરીના પપ્પા સાચે એવું ચાહતા હતા કે મેરી મજા ન કરે? કે પછી તેમને બીજી કોઈ વાતની ચિંતા હતી?

સ્પીડ લિમિટ આપણને વધારે ઝડપથી જતાં અટકાવે છે, પણ એનાથી આપણું જ રક્ષણ થાય છે. મમ્મી-પપ્પાના નિયમો વિશે પણ એવું જ છે

 અજમાવી જુઓ: મમ્મી-પપ્પાની જગ્યાએ પોતાને મૂકીને જુઓ. વિચારો કે, તમે તમારા બાળકને નવો ફોન લઈ આપ્યો છે. હવે તમને કઈ વાતની ચિંતા થશે? તેનું રક્ષણ કરવા તમે કયા નિયમો બનાવશો? જો તમારું બાળક કહે કે તમે તેને મજા નથી કરવા દેતા, તો તમે તેને શું કહેશો?

 “મારા પપ્પા હંમેશા કહેતા કે, ‘મારી જગ્યાએ પોતાને મૂકીને જો.’ એનાથી હું સમજી શકી કે તેમણે એ નિયમો કેમ બનાવ્યા હતા અને એનાથી કઈ રીતે મારું રક્ષણ થતું હતું. જો મારા પણ બાળકો હોત, તો મેં પણ એવું જ કર્યું હોત જે પપ્પા કરે છે.”—તાનિયા.

 મમ્મી-પપ્પા માની જાય માટે શું કરી શકું?

 આમ ન કરો: જીભાજોડી કે ફરિયાદ ન કરો અથવા ખોટું ન લગાડો.

 “બૂમબરાડા પાડવાથી કોઈ ફાયદો નહિ થાય. ઉપરથી તમે અને મમ્મી-પપ્પા થાકી જશો અને એકબીજા સાથે વાત કરવાનું મન પણ નહિ થાય. જો તમે જીભાજોડી કરશો, તો તેઓને લાગશે કે તમે હજી નાદાન છો અને તમને વધારે છૂટ ન આપવી જોઈએ.”—રિચર્ડ.

 એના બદલે આમ કરી જુઓ: કંઈ પણ કહેતા કે કરતા પહેલાં વિચારો કે, તમારાં મમ્મી-પપ્પાએ કેમ ના પાડી હશે? શું તેઓને તમારા પર ભરોસો નથી? અથવા તમે જેઓ સાથે હશો, તેઓ પર ભરોસો નથી? કે પછી શું તેઓને એ વાતની ચિંતા છે કે તમે જ્યાં જઈ રહ્યા છો, ત્યાંનો માહોલ સારો નહિ હોય?

 “મમ્મી-પપ્પા દરેક નિયમ સમજી-વિચારીને જ બનાવે છે. તેઓ મને મજા કરવાની ના નથી પાડતા. તેઓ તો ચાહે છે કે હું બહુ મજા કરું, બસ એના લીધે હું મુશ્કેલીમાં ન ફસાઈ જાઉં.”—આઇવી.

 બાઇબલ સિદ્ધાંત: “મૂર્ખ પોતાના મનની ભડાસ બહાર કાઢે છે, પણ બુદ્ધિમાન ગુસ્સા પર કાબૂ રાખે છે.”—નીતિવચનો ૨૯:૧૧.

 આમ ન કરો: મમ્મી-પપ્પાને અંધારામાં ન રાખશો.

 “પપ્પાએ ફોન વાપરવા વિશે અમુક નિયમો બનાવ્યા હતા. પણ હું મારી મરજી પૂરી કરવા કોઈને કોઈ રસ્તો શોધી જ કાઢતી. હું મોડી રાતે દોસ્તોને મૅસેજ કરતી અને પપ્પાએ ના પાડી હોય એવી એપ ડાઉનલોડ કરતી. પણ તેમને એ વાતની ખબર પડી જ જતી. મેં તેમનો ભરોસો તોડ્યો હોવાથી, પપ્પા નિયમોને વધારે કડક બનાવી દેતા હતા. નિયમો તોડવાથી આપણને જ નુકસાન થાય છે.”—મેરી.

 એના બદલે આમ કરી જુઓ: મમ્મી-પપ્પાએ બનાવેલા નિયમો પાળશો તો, તેઓનો ભરોસો જીતી શકશો.

 “ધીરજ રાખો. બની શકે કે મમ્મી-પપ્પાને કોઈ નિયમમાં ફેરફાર કરતા થોડો સમય લાગે. પણ જ્યારે તેઓ જોશે કે તમે નિયમો પાળો છો, ત્યારે તેઓ કદાચ વધારે છૂટછાટ આપવા તૈયાર થઈ જાય.”—મેલિન્ડા.

 બાઇબલ સિદ્ધાંત: “દરેક વાતમાં તમારાં માતા-પિતાનું કહેવું માનો.”—કોલોસીઓ ૩:૨૦.

 આમ ન કરો: મમ્મી-પપ્પાની પાછળ ન પડી જાવ. જેમ કે, તેઓને એવું ન કહો કે મારા દોસ્તોનાં મમ્મી-પપ્પા તો તેઓને બધી છૂટ આપે છે.

 “એકની એક વાતનું રટણ કરવાથી વાત વધારે બગડી જશે અને તમે ચાહતા હશો એ પણ નહિ થાય.”—નેટલી.

 એના બદલે આમ કરી જુઓ: “રીઝનીંગ ઓન ધ રુલ્સ” વર્કશીટનો ઉપયોગ કરો. એમાં આપેલા સવાલોની મદદથી મમ્મી-પપ્પા સાથે સારી રીતે વાત કરી શકશો.

 “માબાપ ચાહે છે કે તમે યોગ્ય નિર્ણય લો. એટલે તેઓ સાથે વાત કરતી વખતે ઇમોશનલ થવાને બદલે, તેઓને ગળે ઉતરે એ રીતે સમજાવું છું કે હું કેમ આમ કરવા માંગું છું. એમ કરવાથી તેઓ મોટાભાગે મારી વાત માની જાય છે.”—જોસેફ.

 બાઇબલ સિદ્ધાંત: “તમે તમારાં માતા-પિતાને માન આપો.”—એફેસીઓ ૬:૨.