બાઇબલ કલમોની સમજણ
માથ્થી ૬:૩૪—“આવતી કાલને સારું ચિંતા ન કરો”
“તમે આવતી કાલની કદી પણ ચિંતા ન કરો. આવતી કાલે હજુ બીજી ચિંતાઓ હશે. આજના માટે આજની તકલીફો પૂરતી છે.”—માથ્થી ૬:૩૪, નવી દુનિયા ભાષાંતર.
“આવતી કાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતા[ની વાતો]ની ચિંતા કરશે; દહાડાને માટે તે દહાડાનું દુઃખ બસ છે.”—માથ્થી ૬:૩૪, ઓ.વી. બાઇબલ.
માથ્થી ૬:૩૪નો અર્થ
એ શબ્દો દ્વારા ઈસુ પોતાના સાંભળનારાઓને કહી રહ્યા હતા કે તેઓએ ભાવિની તકલીફો વિશે વધારે પડતી ચિંતા ન કરવી જોઈએ. પણ જો તેઓ બસ એ દિવસની જ તકલીફો પર ધ્યાન આપશે, તો એ તેઓ માટે સારું રહેશે.
ઈસુ એવું કહેતા ન હતા કે આપણે આવતી કાલ વિશે વિચારવું ન જોઈએ અથવા ભાવિની યોજનાઓ બનાવવી ન જોઈએ. (નીતિવચનો ૨૧:૫) પણ તે તો આપણને ભાવિમાં શું બની શકે છે, એ વિશે વધારે પડતી ચિંતા ન કરવા મદદ કરી રહ્યા હતા. એવી ચિંતા કરવાથી આપણી ખુશી છીનવાઈ શકે અને આપણે જે કામો કરવાનાં છે એના પર પૂરું ધ્યાન નહિ આપી શકીએ. જે હજી બન્યું જ નથી, એ વિશે આજે ચિંતા કરવાથી એનો નિવેડો નહિ લાવી શકીએ. મોટા ભાગે એવું બને કે જેની ચિંતા કરતા હોઈએ, એ થાય જ નહિ. જો થાય પણ ખરું, તો પરિસ્થિતિ એટલી ખરાબ ન હોય, જેટલી આપણે વિચારી હોય.
માથ્થી ૬:૩૪ વિશે વધારે માહિતી
ઈસુએ કહેલા એ શબ્દો પહાડ પરના ઉપદેશનો ભાગ છે, જે માથ્થી અધ્યાય ૫-૭માં જોવા મળે છે. એ ઉપદેશમાં ઈસુએ સમજાવ્યું કે ચિંતા કરવાથી આપણે જીવન વધારે ખુશહાલ બનાવી શકતા નથી અથવા એને લંબાવી શકતા નથી. (માથ્થી ૬:૨૭) તેમણે એમ પણ કહ્યું કે જ્યારે ઈશ્વરને જીવનમાં પહેલું સ્થાન આપીએ છીએ, ત્યારે આવતી કાલની વધારે પડતી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઈશ્વર ફૂલછોડની અને પશુ-પંખીઓની સંભાળ રાખે છે અને તે પોતાના ભક્તોની પણ સંભાળ રાખશે.—માથ્થી ૬:૨૫, ૨૬, ૨૮-૩૩.
માથ્થી અધ્યાય ૬ અને એની બધી ફૂટનોટ વાંચો. અધ્યાયમાં અંગ્રેજી મૂળાક્ષરોમાં આપેલી બીજી કલમો પણ વાંચો.

