ગુજરાતી
કમલ વિરદી: “હું હંમેશાં ચાહતી હતી કે બધા સાથે ન્યાયથી વર્તવામાં આવે”
https://cms-imgp.jw-cdn.org/img/p/502400119/univ/art/502400119_univ_sqr_xl.jpg
lfs લેખ ૧૯

કમલ વિરદી | જીવન સફર

“હું હંમેશાં ચાહતી હતી કે બધા સાથે ન્યાયથી વર્તવામાં આવે”

“હું હંમેશાં ચાહતી હતી કે બધા સાથે ન્યાયથી વર્તવામાં આવે”

 ઑગસ્ટ ૧૯૭૩માં હું અને મારી બે બહેનો એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ગઈ હતી. એ સંમેલનનો વિષય હતો, “પરમેશ્વરનો વિજય.” એ ઇંગ્લૅન્ડના ટ્‍વીકનહમમાં યોજાયું હતું. ત્યાં અમે ભાઈ એડવીન સ્કીનરને મળ્યા. તે ૧૯૨૬થી ભારતમાં મિશનરી તરીકે સેવા આપી રહ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે અમે પંજાબી ભાષા બોલીએ છીએ, ત્યારે તેમણે કહ્યું: “તમે અહીં શું કરો છો? ભારત આવો!” અમે એવું જ કર્યું. એનાથી પંજાબી ભાષા બોલતા લોકોને મદદ કરવાના મારા કામની શરૂઆત થઈ. પણ ચાલો તમને જણાવું કે સ્કીનરભાઈ સાથે વાતચીત થઈ એ પહેલાં શું થયું હતું.

 એપ્રિલ ૧૯૫૧માં કેન્યાના નાઇરોબી શહેરમાં મારો જન્મ થયો હતો. મારાં મમ્મી-પપ્પા ભારતનાં હતાં. તેઓ શીખ ધર્મ પાળતાં હતાં. મારા પપ્પાને બે પત્નીઓ હતી. મારી મમ્મી એ બીજું લગ્‍ન રોકવા કંઈ કરી શકી ન હતી. મારી મમ્મીને અને સાવકી માને મોટા ભાગે એક સમયે જ બાળકો જન્મ્યાં હતાં. એટલે હું મારાં સગાં અને સાવકાં ભાઈ-બહેનો સાથે મોટી થઈ હતી. મારા કાકાનો દીકરો પણ અમારી સાથે રહેતો હતો. આમ, કુટુંબમાં અમે સાત બાળકો હતાં. ૧૯૬૪માં મારા પપ્પાનું મરણ થયું. એ વખતે હું ફક્ત ૧૩ વર્ષની હતી.

ન્યાયની શોધમાં

 હું મોટી થતી ગઈ ત્યારે મેં ઘરમાં વિખવાદો અને ભેદભાવ જોયા. પછીથી જ્યારે હું બાઇબલમાંથી શીખી ત્યારે મને લેઆહ અને રાહેલ વિશે જાણવા મળ્યું. મને ખ્યાલ આવ્યો કે અમારા ઘરના સંજોગો પણ તેઓના જેવા જ હતા. અમારા ઘરમાં કેન્યાના લોકો નોકર તરીકે કામ કરતા હતા. મેં જોયું કે મારા કુટુંબીજનો તેઓ સાથે બહુ ખરાબ રીતે વર્તતા હતા. કેમ કે અમને શીખવવામાં આવ્યું હતું કે તેઓ અમારા કરતાં ઊતરતા હતા. મારા પપ્પા ચાહતા હતા કે અમે અડોશ-પડોશમાં રહેતા યુરોપના લોકો સાથે દોસ્તી કરીએ. કેમ કે તેમના કહેવા પ્રમાણે અમે તેઓ પાસેથી કંઈક શીખી શકતા હતા. પણ પપ્પા અમને આફ્રિકાના લોકો સાથે હળવા-મળવા દેતા ન હતા. કેમ કે તેમનું માનવું હતું કે અમે તેઓ પાસેથી કંઈ શીખી નહિ શકીએ. પપ્પાએ એમ પણ કહ્યું હતું કે અમે પાકિસ્તાનના લોકો સાથે કોઈ સંબંધ ન રાખીએ અને તેઓને અમારા દુશ્મનો ગણીએ. હું હંમેશાં ચાહતી હતી કે બધા સાથે ન્યાયથી વર્તવામાં આવે અને મને પપ્પાના વિચારો બરાબર લાગતા ન હતા.

 શીખ ધર્મની સ્થાપના ૧૫મી સદીના અંત ભાગમાં ગુરુ નાનકે કરી હતી. નાનકે શીખવેલી અમુક વાતો હું માનતી હતી. જેમ કે, એક જ સાચા ઈશ્વર છે. પણ મેં જોયું કે શીખ ધર્મના લોકો એકબીજા સાથે અન્યાયથી વર્તતા હતા. એનાથી હું વિચારવા લાગી કે એ ધર્મમાં કંઈક તો ખોટું છે.

 મારા મનમાં બીજી પણ અમુક ગડમથલ ચાલતી હતી. જેમ કે, શીખ ધર્મ આશરે ૫૦૦ વર્ષ જૂનો હતો. એટલે હું ઘણી વાર વિચારતી: ‘એના પહેલાં શું હતું? આ દુનિયાની શરૂઆત થઈ ત્યારે લોકો કઈ રીતે ઈશ્વરની ભક્તિ કરતા હતા?’ અમારા ઘરની દીવાલો પર જે કેલેન્ડર લટકાવવામાં આવતાં, એમાં દસ શીખ ગુરુઓનાં ચિત્રો હતાં. પણ મને થતું: ‘આપણને કેવી રીતે ખબર પડે કે તેઓ કેવા દેખાતા હતા? એ ગુરુઓએ પોતે શીખવ્યું છે કે એક જ સાચા ઈશ્વરની ભક્તિ કરવી. તો પછી લોકોએ શું કામ એ ગુરુઓને નમન કરવું?’

 ૧૯૬૫માં અમારું કુટુંબ ભારત આવ્યું. એ વખતે હું ૧૪ વર્ષની હતી. અમારી પાસે બહુ પૈસા ન હતા, એટલે જીવન થોડું અઘરું હતું. એકાદ વર્ષ પછી અમે ઇંગ્લૅન્ડમાં વસવાનો નિર્ણય લીધો. પણ અમારી પાસે એટલા પૈસા ન હતા કે બધા સાથે આવીએ. એટલે અમે બબ્બે કરીને ઇંગ્લૅન્ડના લેસ્ટર શહેર આવ્યા.

 ૧૬ વર્ષની ઉંમરે હું કામ કરવા લાગી. મેં નાનાં-મોટાં ઘણાં કામ કર્યાં. એની સાથે સાથે હું રાતે ચાલતી એક સ્કૂલમાં ભણવા જતી, જેથી મારું અધૂરું ભણતર પૂરું કરી શકું. પણ કામની જગ્યાએ મેં ભેદભાવ જોયો. દાખલા તરીકે, બીજા દેશમાંથી આવેલા લોકો કરતાં ઇંગ્લૅન્ડના લોકોને વધારે પગાર મળતો હતો. ન્યાય મેળવવાની મારી ઇચ્છા એટલી પ્રબળ થઈ ગઈ કે હું યુવાનિયાઓથી બનેલા એક મજૂરસંઘમાં જોડાઈ ગઈ. હું બીજા દેશમાંથી આવેલી સ્ત્રીઓને ભેગી કરતી અને બધાને એકસરખો પગાર મળે માટે તેઓને હડતાલ પર ઊતરવાનું પ્રોત્સાહન આપતી. હું બસ ન્યાય ઝંખતી હતી.

મારા સવાલોના જવાબ મળ્યા

 ૧૯૬૮માં બે યહોવાના સાક્ષીઓએ મારા ઘરના દરવાજે ટકોરા માર્યા. એ પહેલી વાર હું યહોવાના સાક્ષીઓને મળી. એ બે ભાઈઓએ મને બતાવ્યું કે ઈશ્વરનું રાજ્ય આખી દુનિયામાંથી ભેદભાવ દૂર કરશે અને બધા લોકો સાથે એકસમાન રીતે વર્તવામાં આવશે. એ વચન તરત જ મારા દિલને સ્પર્શી ગયું. એમાંના એક ભાઈ પોતાની પત્નીને લઈને ફરી અમારા ઘરે આવ્યા. મેં, મારી બહેન જસવિંદરે અને મારી સાવકી બહેન ચન્‍નીએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. છ જ પ્રકરણમાંથી ચર્ચા કર્યા પછી અમને ખાતરી થઈ ગઈ કે યહોવા જ સાચા ઈશ્વર છે. એ પણ ખાતરી થઈ ગઈ કે બાઇબલ ઈશ્વરની વાણી છે અને તેમના રાજ્યમાં જ બધા લોકોને સાચો ન્યાય મળશે.

 પણ કુટુંબે અમારો સખત વિરોધ કર્યો. પપ્પાના મરણ પછી મારો સાવકો ભાઈ ઘરનો વડીલ બન્યો હતો. મારી સાવકી માની કાન ભંભેરણીને લીધે તેણે અમારો વિરોધ કરવાનું શરૂ કર્યું. તે મારી નાની બહેનો જસવિંદર અને ચન્‍નીને માર મારતો. તે જે બૂટ પહેરતો હતો એના આગળના ભાગે સ્ટીલ લાગેલું હતું. એ બૂટથી તે મારી બહેનોને લાતો મારતો. તે મને કંઈ ન કરતો. કેમ કે તેને ખબર હતી કે હું ૧૮ વર્ષની હતી અને જો તે મને કંઈ કરતો, તો હું અધિકારીઓને જાણ કરી શકતી હતી. પણ મારી બહેનો હજી નાની હતી અને તેને લાગતું કે તે તેઓ સાથે મનફાવે એમ વર્તી શકે છે. એકવાર તેણે બાઇબલ લીધું, એને ખોલ્યું અને એને આગ ચાંપી. પછી તેઓનાં મોં આગળ લઈ જઈને કહ્યું: “કહો તમારા યહોવાને કે આ આગ હોલવી નાખે.” એ સમય સુધીમાં અમે એક બે વાર જ યહોવાના સાક્ષીઓની સભામાં ગયા હતા અને ઘરના લોકોને એ વિશે ખબર ન હતી. પણ અમે ખરેખર સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવા માંગતા હતા. જોકે, અમારા સંજોગોને લીધે એમ કરવું અશક્ય લાગતું હતું. એટલે અમે ઘર છોડીને કોઈ સલામત જગ્યાએ નાસી જવાની યોજના બનાવવા લાગ્યા. કઈ રીતે? ચાલો તમને જણાવું.

 અમને બપોરના ભોજન માટે અને બસના ભાડા માટે પૈસા મળતા હતા. એમાંથી અમુક પૈસા અમે સંતાઈ સંતાઈને બચાવવા લાગ્યા. આમ તો હું આખો પગાર મારી સાવકી માના હાથમાં મૂકી દેતી હતી. પણ હું એમાંથીયે અમુક પૈસા બચાવવા લાગી. અમે ત્રણ સૂટકેસ ખરીદી અને એને અમારા ઘરથી દૂર એક જગ્યાએ સંતાડી દીધી. પછી ધીરે ધીરે અમે એમાં કપડાં ભરવા લાગ્યા. મે ૧૯૭૨ની આ વાત છે. જસવિંદર લગભગ ૧૮ વર્ષની થઈ ગઈ હતી અને અમારી પાસે ૧૦૦ પાઉન્ડ (આશરે ૨,૦૦૦ રૂપિયા) ભેગા થયા હતા. પછી અમે ટ્રેનમાં બેસીને ઇંગ્લૅન્ડના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલા પેન્ઝાંસમાં જતા રહ્યા. ત્યાં પહોંચીને અમે ફોનની દુકાનેથી ત્યાંના સાક્ષીઓને ફોન કર્યો. ભાઈઓએ પ્રેમથી અમારું સ્વાગત કર્યું. પછી અમે નાની-મોટી નોકરી કરવા લાગ્યા, જેથી એક ઘર ભાડે લઈ શકીએ અને ત્યાં વસી શકીએ. અમે માછલી ધોવાનું અને એને કાપવાનું પણ કામ કર્યું.

 ત્યાં અમે હેરી અને બૅટી બ્રિગ્સ નામનાં વૃદ્ધ પતિ-પત્ની પાસે બાઇબલમાંથી શીખવા લાગ્યા. સપ્ટેમ્બર ૧૯૭૨માં અમે ટ્રુરો પ્રાર્થનાઘરમાં આવેલા એક નાનકડા કુંડમાં બાપ્તિસ્મા લીધું. હજી સુધી ઘરનાઓને ખબર ન હતી કે અમે ક્યાં હતા. ચન્‍નીએ પાયોનિયરીંગ શરૂ કર્યું. હું અને જસવિંદર તેને પૈસેટકે મદદ કરતા.

વધારે જરૂર હતી ત્યાં જઈને સેવા કરી

 ભાઈ હેરી અને બહેન બૅટી આશરે ૯૦ વર્ષનાં હતાં. તોપણ તેઓ સમયે સમયે ઇંગ્લૅન્ડના દક્ષિણ-પશ્ચિમ તટ નજીક આવેલા સિલી દ્વીપસમૂહ પર પ્રચાર કરવા જતાં હતાં. તેઓને જોઈને અમને પણ એવું જ કંઈક કરવાની હોંશ જાગી. એ પછી ૧૯૭૩માં અમે ભાઈ સ્કીનરને મળ્યાં, જેના વિશે મેં પહેલાં જણાવ્યું હતું. તેમની સાથે વાતચીત કર્યા પછી અમે સમજી ગયા હતા કે અમારે શું કરવું.

 જાન્યુઆરી ૧૯૭૪માં અમે ભારતના નવી દિલ્હી જવાની ટિકિટ લીધી. અમે ફક્ત જવાની જ ટિકિટ લીધી હતી, પાછા આવવાની ટિકિટ લીધી ન હતી. ત્યાં અમે ભાઈ ડીક કોટરીલને મળ્યા. થોડા સમય સુધી અમે તેમની સાથે મિશનરી ઘરમાં રહ્યા. ચન્‍ની નિયમિત પાયોનિયરીંગ કરતી હતી. હું અને જસવિંદર પ્રચારમાં વધારે સમય આપવા લાગ્યા.

 થોડા સમય પછી અમને પંજાબ મોકલવામાં આવ્યા. એ ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આવેલું એક રાજ્ય છે. અમે થોડા સમય સુધી ચંડીગઢના એક મિશનરી ઘરમાં રહ્યા. પછી અમે ફ્લેટ ભાડે લીધો. સપ્ટેમ્બર ૧૯૭૪માં મેં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. પછી ૧૯૭૫માં મને ખાસ પાયોનિયર બનાવવામાં આવી. પ્રચાર કરવાથી મને સમજાયું કે પંજાબી ભાષામાં સાહિત્યની ઘણી જરૂર હતી, જેથી વધારે ને વધારે લોકો યહોવાના પ્રેમ અને ન્યાય વિશે જાણી શકે. ૧૯૭૬માં અમને ત્રણેયને ભારતની શાખા કચેરીએ આપણા સાહિત્યનું ભાષાંતર કરવાનું કામ સોંપ્યું. એ સમયે ટાઇપરાઇટર કે કોમ્પ્યુટર ન હતા. એટલે એ કામ સહેલું ન હતું. ભાષાંતર કર્યા પછી અમે એ હાથથી લખતા અને ખાતરી કરતા કે એમાં વિચારની કે વ્યાકરણની કોઈ ભૂલ નથી રહી ગઈ. પછી અમે ત્યાંના છાપખાનાવાળા પાસે જતા. તેની પાસે જૂની ઢબનાં છાપકામ કરવાનાં મશીનો હતાં. અમે તેની સાથે બેસીને એક એક અક્ષર એની જગ્યાએ ગોઠવતા.

ભારતમાં પંજાબ રાજ્યના ચંડીગઢ શહેરમાં અમારું મંડળ

બીમારીમાં પણ ખુશી ખુશી સેવા કરી

 અમારા સંજોગો તરત બદલાવા લાગ્યા. જસવિંદરની મુલાકાત એક ભાઈ સાથે થઈ. થોડા સમય પછી તેઓએ લગ્‍ન કરી લીધા અને કેનેડા રહેવા જતા રહ્યા. ચન્‍નીએ પણ અમેરિકાથી આવેલા એક ભાઈ સાથે લગ્‍ન કર્યા, જે જર્મનીના હતા. લગ્‍ન કર્યા પછી તેઓ અમેરિકા રહેવા ગયાં. એ સમયે મારી તબિયત બગડવા લાગી. એટલે ઑક્ટોબર ૧૯૭૬માં હું ઇંગ્લૅન્ડ પાછી જતી રહી. એ વખતે મારી મમ્મી અને મારો સગો ભાઈ લેસ્ટરમાં રહેતાં હતાં. તેઓ અમારો વિરોધ કરતા ન હતા. તેઓએ મને કહ્યું કે હું તેઓ સાથે રહી શકું છું. ડૉક્ટરોએ મને જણાવ્યું કે મને ઇવાન્સ સિન્ડ્રોમ નામની મોટી બીમારી થઈ છે. એ લોહીની બીમારી છે અને બહુ ઓછા લોકોને થાય છે. એમાં શરીર રક્તકણોનો નાશ કરવા લાગે છે. એ બીમારીના લીધે મારે અલગ અલગ પ્રકારની સારવાર કરાવવી પડી. મારું બરોળ પણ કાઢી નંખાવવું પડ્યું. મારે પાયોનિયરીંગ પણ છોડવું પડ્યું.

 મેં દિલથી યહોવાને પ્રાર્થના કરી કે જો હું સાજી થઈ જઈશ, તો ફરીથી પૂરા સમયની સેવા શરૂ કરીશ. અને મેં એવું જ કર્યું. ભલે વચ્ચે વચ્ચે મારી તબિયત બગડી જતી હતી, તોપણ ૧૯૭૮માં હું વોલ્વરહેમ્પ્ટન નામના વિસ્તારમાં રહેવા ગઈ અને પાયોનિયરીંગ કરવા લાગી. ત્યાં પંજાબી ભાષા બોલતા ઘણા લોકો રહેતા હતા. અમે હાથે લખીને સભાનું આમંત્રણ બનાવતા અને એની ઝેરોક્ષ કઢાવતા. પછી અમે પંજાબી બોલતા લોકોને એ આપતા અને જાહેર પ્રવચનમાં આવવાનું કહેતા. આજે બ્રિટનમાં પંજાબી ભાષાનાં પાંચ મંડળો અને ત્રણ ગ્રૂપ છે.

 બ્રિટન શાખા કચેરીને ખબર હતી કે મેં ભારતમાં પંજાબી ભાષામાં સાહિત્યનું ભાષાંતર કરવા મદદ કરી હતી. એટલે ૧૯૯૦ની આસપાસ બ્રિટન શાખાએ મને ફરીથી એ કામમાં મદદ કરવા વિશે પૂછ્યું. હું અઠવાડિયાના અમુક દિવસો લંડનમાં આવેલા બેથેલમાં જતી હતી. ત્યાં હું ગુરુમુખી લિપિના અક્ષરો, સોફ્ટવેર અને એ લિપિના નિયમો તૈયાર કરવામાં મદદ કરતી હતી. એ વખતે હું બહુ વ્યસ્ત રહેતી હતી. કેમ કે હું નોકરી કરતી હતી, મારાથી થોડે દૂર રહેતી મારી મમ્મીની સંભાળ રાખતી હતી અને બેથેલનું પણ કામ કરતી હતી. પણ મને બેથેલમાં કામ કરવાનો મોકો મળ્યો, એટલે હું ઘણી ખુશ હતી.

૧૯૯૦ની આસપાસ લંડન બેથેલમાં મને તાલીમ મળી

 સપ્ટેમ્બર ૧૯૯૧માં મને બેથેલ કુટુંબનો ભાગ બનવાનું આમંત્રણ મળ્યું. મને પંજાબી ભાષામાં બાઇબલ આધારિત સાહિત્યનું ભાષાંતર કરવાનું કામ સોંપવામાં આવ્યું. મેં સપનામાંય વિચાર્યું ન હતું કે મને બેથેલમાં બોલાવવામાં આવશે. કેમ કે હું પોતાને એ માટે યોગ્ય ગણતી ન હતી. બીજું કે હું બીમાર રહેતી હતી અને બેથેલેમાં જવાની મારી ઉંમર પણ વીતી ગઈ હતી. તોપણ યહોવાએ મને એ મોટો આશીર્વાદ આપ્યો. હું ખુશી ખુશી બેથેલમાં કામ કરતી હતી, પણ એક મારી બીમારી હતી, જે મારો પીછો છોડવાનું નામ જ લેતી ન હતી. મારે કીમોથેરાપી અને બીજી સારવારો લેવી પડી. એ વખતે ઘણી વાર લોહીને લગતી સમસ્યાઓ આવી. મારે નિર્ણય લેવાનો હતો કે હું લોહી લઈશ કે નહિ. પણ મેં લોહી ન લેવાનો નિર્ણય લીધો. લોહી લીધા વગર જ મારી તબિયત જે રીતે સારી થઈ રહી હતી, એ જોઈને ડૉક્ટરોને ઘણી નવાઈ લાગી. તેઓએ મને લંડનની એક મોટી હૉસ્પિટલમાં યોજાયેલા એક સેમિનારમાં બોલાવી. ત્યાં ૪૦ જેટલા ડૉક્ટર આવ્યા હતા. મેં દસ મિનિટ સુધી જણાવ્યું કે મેં કેમ લોહી ન લેવાનો નિર્ણય લીધો હતો. એ પછી તેઓએ સવાલો પૂછ્યા અને હૉસ્પિટલ ઇન્ફર્મેશન ડેસ્કના એક ભાઈએ એના જવાબો આપ્યા.

 આ મુશ્કેલ સંજોગોમાં મારી બહેન જસવિંદર અને ચન્‍નીએ મને ઘણો સાથ આપ્યો. તેઓએ પ્રેમથી મારી સંભાળ રાખી. બેથેલનાં ભાઈ-બહેનો અને દોસ્તો પણ મારી પડખે રહ્યાં. એ માટે હું તેઓનો ખૂબ જ આભાર માનું છું. જીવનની એકેએક ચઢતી-પડતીમાં યહોવાએ મને તાકાત આપી છે. એ તાકાતના લીધે જ હું મારી સોંપણીમાં લાગુ રહી શકું છું.—ગીતશાસ્ત્ર ૭૩:૨૬.

યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે

 હું છેલ્લાં ૩૩ વર્ષથી બેથેલમાં સેવા કરું છું. એ દરમિયાન મેં ‘અનુભવ કર્યો અને જોયું કે યહોવા કેટલા સારા છે!’ (ગીતશાસ્ત્ર ૩૪:૮; નીતિવચનો ૧૦:૨૨) વૃદ્ધ વફાદાર ભાઈ-બહેનોના દાખલામાંથી પણ મને ઘણી હિંમત મળે છે. હું વીતેલાં વર્ષોને યાદ કરું છું ત્યારે મને એ વાતની બહુ ખુશી થાય છે કે પંજાબી બોલતા મારા ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ યહોવાના ભક્ત બન્યા છે અને આજે વફાદારીથી તેમની સેવા કરી રહ્યા છે. કુટુંબીજનો સાથે પણ મારો ઘણો સારો સંબંધ છે. ભલે મમ્મી અને મારો ભાઈ યહોવાના સાક્ષી નથી, પણ મમ્મી ઘણી વાર મને કહે છે: “ખરેખર, તું ઈશ્વરની સાચી ભક્ત છે.” જ્યારે મેં મારા ભાઈને કહ્યું કે હું બેથેલ છોડીને મમ્મીની સંભાળ રાખવા તૈયાર છું, ત્યારે તેણે મને કહ્યું: “તું બહુ સારું કામ કરે છે. તું ત્યાં જ રહે.” મારી મમ્મી એક નર્સિંગ હોમમાં રહે છે, જ્યાં બીમાર અને ઘરડા લોકોની સંભાળ રાખવામાં આવે છે. એ બેથેલથી બહુ દૂર છે, તોપણ હું ઘણી વાર તેમને મળવા જઉં છું.

 મારા જીવનમાં જ્યારે પણ મુશ્કેલીઓ આવી, ત્યારે હું પોતાને કહેતી: ‘કમલ, ડરીશ નહિ. યહોવા તારી ઢાલ છે. તે તને મોટું ઇનામ આપશે.’ (ઉત્પત્તિ ૧૫:૧) હું “ઇન્સાફના ઈશ્વર” યહોવાનો આભાર માનું છું, કેમ કે હું નાની હતી ત્યારે જ તેમણે મારા પર ધ્યાન આપ્યું અને મને એવું કામ આપ્યું જેનાથી મારું આખું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. (યશાયા ૩૦:૧૮) હું એ સમયની આતુરતાથી રાહ જોઉં છું, જ્યારે “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ.”—યશાયા ૩૩:૨૪.

ચેમ્સફોર્ડ બેથેલમાં