મુખ્ય વિષય
આફતના સમયે પગલાં ભરો અને જીવન બચાવો
“ધડાકો એટલો જોરદાર હતો કે કાનના પડદા ફાટી જાય. ધુમાડાથી આખો માળ ભરાઈ ગયો અને અમારી ઇમારતમાં આગ ફાટી નીકળી.”—જોશુઆ.
ભૂકંપ . . . વાવાઝોડું . . . આતંકવાદી હુમલા . . . સ્કૂલોમાં ગોળીબાર. આવા શબ્દો ઘણી વાર મુખ્ય સમાચારોમાં જોવા મળે છે. પણ આફતો વિશે વાંચવું અને એમાંથી પસાર થવું એ બંનેમાં મોટો ફરક છે. તો પછી અણધારી આફતો આવે એ પહેલાં, એ સમયે અને એ પછી બચી જવા શું કરવું જોઈએ? ચાલો જોઈએ.
આફત આવે એ પહેલાં, તૈયારી કરો!
કોઈપણ વ્યક્તિ પર ગમે ત્યારે આફત આવી શકે છે. એનાથી બચવાની સૌથી મહત્ત્વની રીત છે, પહેલાંથી તૈયારી કરવી. આપણે એ કઈ રીતે કરી શકીએ?
મનથી તૈયાર રહો. યાદ રાખો કે તમારા પર કે તમારાં કુટુંબ પર ગમે ત્યારે આફત આવી શકે. આગ લાગ્યા પછી કૂવો ખોદવાનો કોઈ ફાયદો નથી એટલે કે, આફત આવ્યા પછી એની તૈયારી કરવાનો કોઈ ફાયદો નથી. ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હશે.
આફતો વિશેની જાણકારી મેળવો, જે તમારા વિસ્તારમાં આવી શકે છે. એવી જગ્યા શોધો જ્યાં તમે આશરો લઈ શકો. એ પણ ધ્યાન રાખો કે તમારું ઘર અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત છે કે નહિ. જે વસ્તુઓ સહેલાઈથી સળગે એવી હોય, એને અલગ રાખો. જેમ કે મચ્છર મારવાની અગરબત્તી, સિગરેટ, મીણબત્તી, અને દીવાસળી. એ પણ યાદ રાખો કે જમવાનું બનાવતી વખતે રસોડામાં સગડી ચાલુ મૂકીને બીજે જશો નહિ.
આફતના સમયે કામ આવે એવો સામાન તૈયાર રાખો. બની શકે કે એ સમયે વીજળી, પાણી, ફોન કે મુસાફરી માટે કોઈ વાહન ન હોય. ધ્યાન રાખો કે જો તમારી પાસે વાહન હોય, તો એની ટાંકી ઓછામાં ઓછી અડધી ભરેલી હોય. ઘરમાં હંમેશાં ખોરાક, પાણી અને ઇમરજન્સી બેગ તૈયાર રાખો.—બૉક્સ જુઓ “ શું તમારી પાસે જરૂરી વસ્તુઓ છે?”
બચવાની સૌથી મહત્ત્વની રીત છે, પહેલાંથી તૈયારી કરવી
દોસ્તોના ફોન નંબર રાખો, ભલે પછી તેઓ દૂર રહેતા હોય કે નજીક.
બહાર નીકળવાનો પ્લાન બનાવો અને એની પ્રેક્ટિસ કરો. જોઈ રાખો કે તમે જ્યાં રહો છો, ત્યાંથી ઝડપથી બહાર નીકળવાનું થાય તો ક્યાંથી નીકળશો. બાળકોને પણ જણાવો કે જો તેઓ સ્કૂલમાં હોય અને આફત આવી પડે તો શું કરવું. નક્કી કરો કે તમારું કુટુંબ કઈ જગ્યાએ ભેગું મળશે, જેમ કે મેદાન કે બાગ જેવી જગ્યાએ. અધિકારીઓનું કહેવું છે કે એવી જગ્યાએ ચાલીને જવાની કુટુંબ તરીકે પ્રેક્ટિસ કરો.
વિચારો કે બીજાઓને કઈ રીતે મદદ કરશો, જેમ કે વૃદ્ધ અને બીમાર લોકોને.
આફત આવે એ સમયે, તરત પગલાં ભરો!
જોશુઆ કહે છે, “આગ લાગી ત્યારે મોટા ભાગના લોકો ગભરાવાને બદલે મોડું કરતા હતાં. અમુક તો પોતાનું કોમ્પ્યુટર બંધ કરવા ગયા અથવા પાણી ભરવા ગયા. એક માણસે કહ્યું, ‘હજી થોડી રાહ જોઈએ.’” લોકો ઢીલ કરતા હતા પણ જોશુઆએ બૂમ પાડીને કહ્યું, “આપણે હમણાં જ નીકળવું પડશે.” એ સમયે લોકોને ભાન થયું અને તેઓ તેની પાછળ પાછળ દાદર ઊતરવા લાગ્યાં. જોશુઆ બૂમો પાડીને કહેતો રહ્યો, “કોઈ પડી જાય તો તેને ઊંચકી લેજો અને ચાલતા રહેજો, આપણે બચી જઈશું.”
આગ લાગે ત્યારે. ઘૂંટણિયે ચાલીને જલદી જ બહાર નીકળવાના રસ્તા સુધી પહોંચી જાઓ. ધુમાડાને લીધે બરાબર જોઈ શકાતું નથી. આવા સમયે આગથી નહિ, પણ શ્વાસ રુંધાવાને લીધે વધારે લોકો જીવ ગુમાવે છે. સામાન બચાવવાના ચક્કરમાં ના રહેશો. ઘડીભરનું મોડું કરવાથી તમારું જીવન જોખમમાં આવી શકે છે.
ધરતીકંપ આવે ત્યારે. મજબૂત ટેબલ કે પલંગ નીચે જતા રહો અથવા ઘરના અંદરના ખૂણામાં જતા રહો. ધરતીકંપ પછી પણ આંચકા આવતા રહે છે, એટલે બને એટલું જલદી ઇમારતની બહાર નીકળીને દૂર ભાગી જાઓ. બચાવ ટીમને આવતાં વાર લાગી શકે, એટલે શક્ય હોય તો બીજાઓને પણ બચાવો.
સુનામી આવે ત્યારે. જો દરિયાકાંઠાનું પાણી અચાનક પાછું ખેંચાવા લાગે તો તરત કોઈક ઊંચી જગ્યાએ જતા રહો. કેમ કે પછીથી દરિયામાં ઘણાં ઊંચાં ઊંચાં મોજાં આવશે.
ચક્રવાત કે વાવાઝોડું આવે ત્યારે. જરાય મોડું કર્યા વગર કોઈ સલામત જગ્યાએ આશરો લો.
પૂર આવે ત્યારે. પાણી ભરાઈ ગયું હોય એવી ઇમારતોથી દૂર રહો. તમે પાણીમાં ન ચાલશો અને વાહન પણ ન ચલાવશો. પૂરના પાણીમાં ગટરનું પાણી અને કાટમાળ પણ હોય શકે. સાથે જ, ખુલ્લી ગટરો અને વીજળીના છૂટા વાયરો પણ હોય શકે.
શું તમે જાણો છો? બે ફૂટ જેટલું વહેતું પાણી હોય, તો એમાં કાર તણાઈ જઈ શકે છે. પૂર આવે ત્યારે સૌથી વધારે જાનહાનિ વહેતાં પાણીમાં વાહન ચલાવવાને લીધે થાય છે.
અધિકારીઓ જગ્યા છોડવાનું કહે ત્યારે, તરત જ નીકળી જાઓ. મિત્રોને જણાવો કે તમે ક્યાં છો, જેથી એવું ન બને કે તમને શોધવામાં તેઓનો જીવ જોખમમાં આવી પડે.
અધિકારીઓ જગ્યા છોડવાનું કહે ત્યારે, તરત જ નીકળી જાઓ
શું તમે જાણો છો? કદાચ ફોન ના લાગે, પણ મૅસેજ પહોંચી શકે.
અધિકારીઓ ઘરમાં કે સલામત જગ્યાએ રહેવાનું કહે ત્યારે, તેઓનું કહેવું માનો. જ્યારે રાસાયણિક, જૈવિક (જીવાણુઓથી ફેલાતી મહામારી) અથવા પરમાણુ લિકેજ અથવા હુમલો થાય, ત્યારે ઘરમાં જ રહો. હવાની અવર-જવર થતી હોય એવી જગ્યાઓ બંધ કરી દો, જેમ કે દરવાજા અને બારીઓ. પરમાણુ હુમલો થાય ત્યારે ઇમારતના સૌથી નીચેના ભાગમાં અથવા ભોંયરામાં જતા રહો, જેથી નુકસાન કરતા કિરણોથી (રેડિયેશનથી) તમારું રક્ષણ થાય. ટીવી કે રેડિયો પર સમાચાર સાંભળો. અધિકારીઓ જાહેરાત ન કરે કે બહાર નીકળવું સુરક્ષિત છે, ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો.
આફત આવે એ પછી, સુરક્ષિત રહો!
બીમારીઓ અને જોખમોથી બચવા નીચે આપેલાં સૂચનો પર ધ્યાન આપો:
બની શકે તો દોસ્તો સાથે રહો, નહિ કે રાહત છાવણીમાં.
તમે રહો છો, એ જગ્યા ચોખ્ખી રાખો.
સાફ-સફાઈ કરતી વખતે સલામતીનાં સાધનો વાપરો. કોઈ કાટમાળ સાફ કરતી વખતે હાથનાં મોજાં, માસ્ક, મજબૂત બૂટ અને ટોપી પહેરો. વીજળીના તાર અને તણખાથી સાવધ રહો.
રોજબરોજનાં કામ કરતા રહો, જેમ પહેલાં કરતા હતાં. તમારાં બાળકો જોઈ શકશે કે તમે શાંત છો અને તમને આશા છે કે બધું બરાબર થઈ જશે. તમે પોતે બાળકોને ભણાવો, તેઓ સાથે રમો અને સાથે મળીને યહોવાની ભક્તિ કરતા રહો. આફતથી થયેલી તબાહીના સમાચારો પર વધારે પડતું ધ્યાન ન આપો. તમારો ગુસ્સો ઘરના સભ્યો પર ન ઉતારો. પોતે મદદ લો અને બીજાઓને પણ મદદ કરો.
આફત આવ્યા પછી રોજબરોજનાં કામો કરતા રહો
યાદ રાખો કે આફતોને લીધે નુકસાન તો થશે જ. અધિકારીઓ અને રાહત સેવા કરતા લોકો નુકસાનની ભરપાઈ કરી આપવા પર નહિ, પણ બીજાઓના જીવ બચાવવા પર ધ્યાન આપે છે. જીવન ટકાવી રાખવા ચોખ્ખું પાણી, ખોરાક, કપડાં અને માથે છત હોય એટલું પૂરતું છે.—૧ તિમોથી ૬:૭, ૮.
એ સમયે અલગ અલગ મુશ્કેલીઓ વેઠવી પડે છે, એટલે કોઈની મદદ લો. આફતના સમયે દુઃખ થાય છે, પણ મોટાભાગે એના પછી દુઃખ વધવા લાગે છે. તમને કદાચ ચિંતા અને ઉદાસી ઘેરી વળે, અચાનક મૂડ બદલાવા લાગે, ઊંઘ ન આવે, વિચારવામાં અને કામ કરવામાં તકલીફ પડે. એવા સમયે દોસ્તો સાથે વાત કરો.
આગ લાગી ત્યારે જોશુઆ તો બચી ગયો, પણ તેના ઘણા દોસ્તોએ જીવ ગુમાવ્યો. તેને યહોવાના સાક્ષીઓના વડીલો પાસેથી અને માનસિક સ્વાસ્થ્યના ડૉક્ટરો પાસેથી ઘણી મદદ મળી. જોશુઆ કહે છે, “તેઓએ મને કહ્યું કે આ રીતે દુઃખી થવું સ્વાભાવિક છે, પણ સમય જતાં બધું બરાબર થઈ જશે. ૬ મહિના પછી મને ખરાબ સપનાં આવતાં ઓછા થઈ ગયા, પણ અમુક તકલીફો લાંબો સમય રહી.”
આફતોથી આપણે દુઃખી થઈ જઈએ છીએ, કેમ કે એમાં ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. એના લીધે અમુક અજાણતાં ઈશ્વરને દોષ આપવા લાગે છે. જોશુઆ જેવા બીજા ઘણા લોકો “પોતાને જ દોષ” આપવા લાગે છે. જોશુઆ કહે છે, “હું આજે પણ વિચારું છું કે વધારે લોકોનો જીવ બચાવી શક્યો હોત, તો કેવું સારું. પણ મને એ વાતનો ભરોસો છે કે, જલદી જ ઈશ્વર પૃથ્વી પર સાચો ન્યાય કરશે અને બધું સારું કરી દેશે. ત્યાં સુધી હું દરેક દિવસને કિંમતી ગણું છું અને સલામત રહેવાનો પ્રયત્ન કરું છું.”—પ્રકટીકરણ ૨૧:૪, ૫. a
a ઈશ્વરે ભાવિ વિશે કયાં વચનો આપ્યાં છે? તે દુઃખ-તકલીફો કેમ ચાલવા દે છે? એનો જવાબ જાણવા આ પુસ્તક જુઓ: દુઃખ જશે, સુખ આવશે. એ તમે www.jw.org પરથી ડાઉનલોડ કરી શકો.

