મુખ્ય વિષય | શું બાઇબલ ઈશ્વર તરફથી છે?
બાઇબલ—શું “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે”?
શું તમે માનો છો કે બાઇબલ ઈશ્વર તરફથી છે? કે પછી તમને એવું લાગે છે કે એ પુસ્તકમાં ફક્ત માણસોના વિચારો છે?
જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવે છે, તેઓમાં પણ આ ચર્ચાનો વિષય છે. દાખલા તરીકે, ૨૦૧૪માં અમેરિકાનાં ગૅલપ નામના એક સર્વેમાં ઘણા ખ્રિસ્તીઓએ કબૂલ કર્યું કે, “કોઈક રીતે બાઇબલ ઈશ્વર સાથે સંકળાયેલું છે.” બીજી તર્ફે, પાંચમાંથી એક વ્યક્તિને લાગે છે કે બાઇબલ તો “માણસોએ જ લખ્યું છે, જેમાં વાર્તા, દંતકથા, ઇતિહાસ અને બોધપાઠ છે.” આ વિરોધાભાસથી સવાલ ઊભો થાય કે, બાઇબલ ઈશ્વરની “પ્રેરણાથી” લખાયું છે એનો ખરો અર્થ શો થાય?—૨ તિમોથી ૩:૧૬.
“પ્રેરણાથી લખાયું”—એનો અર્થ શો થાય?
બાઇબલમાં ૬૬ નાનાં પુસ્તકો છે. આશરે ૪૦ લેખકોએ ૧૬૦૦ જેટલાં વર્ષોમાં એને લખ્યું છે. પણ જો માણસોએ બાઇબલ લખ્યું હોય, તો એ “ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે” એમ કઈ રીતે કહી શકાય? “ઈશ્વરની પ્રેરણાથી લખાયું,” એનો અર્થ થાય કે એ લખાણો ઈશ્વર તરફથી છે. બાઇબલ જણાવે છે: “માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને ઈશ્વર તરફથી બોલ્યા હતા.” (૨ પીતર ૧:૨૧) બીજા શબ્દોમાં, ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ એટલે કે અદૃશ્ય શક્તિશાળી બળ દ્વારા પોતાનો સંદેશો બાઇબલના લેખકો સુધી પહોંચાડ્યો. એ સમજવા એક ઉદ્યોગપતિનો દાખલો જોઈએ. તે પોતાના સેક્રેટરી પાસે પત્ર લખાવે છે. તેથી, એ પત્રના લેખક, એને લખનાર સેક્રેટરી નહિ પણ લખાવનાર ઉદ્યોગપતિ છે.
બાઇબલનાં અમુક લેખકોને ઈશ્વરનો સંદેશો દૂતો દ્વારા કહેવામાં આવ્યો. બીજા અમુકને ઈશ્વરે સંદર્શન દેખાડ્યું. અમુક કિસ્સામાં ઈશ્વરે સ્વપ્ન દ્વારા સંદેશો આપ્યો. અમુક વાર, ઈશ્વરે લેખકોને છૂટ આપી કે તેઓ ઈશ્વરનો સંદેશો પોતાના શબ્દોમાં લખે અને બીજા કેટલાકને તેમણે શબ્દેશબ્દ લખાવ્યો. દરેક કિસ્સામાં, બાઇબલના લેખકોએ પોતાના નહિ, પણ ઈશ્વરના વિચારો લખ્યા.
ઈશ્વરે બાઇબલ લેખકોને પ્રેરણા આપી, એવી ખાતરી કઈ રીતે રાખી શકીએ? ચાલો એવા ત્રણ પુરાવા જોઈએ, જેનાથી આપણને ભરોસો થશે કે બાઇબલ ઈશ્વર તરફથી છે.

