શું હું યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ કરું, એનો અર્થ એમ કે મારે યહોવાના સાક્ષી બનવું પડશે?
ના, એ તમારો નિર્ણય છે. એમ કરવા ફરજ પાડવામાં આવતી નથી. અમારી સાથે એવા લાખો લોકો બાઇબલ અભ્યાસ કરે છે, જેઓ અમારા મંડળનો ભાગ બનતા નથી. a અભ્યાસનો હેતુ છે કે, બાઇબલ શું શીખવે છે. એ જ્ઞાનનો તમે કેવો ઉપયોગ કરશો, એ તમારી મરજીની વાત છે. અમે માનીએ છીએ કે, શ્રદ્ધા એ દરેકની અંગત બાબત છે.—યહોશુઆ ૨૪:૧૫.
શું હું મારા પોતાના બાઇબલમાંથી અભ્યાસ કરી શકું?
હા. અમે ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ બાઇબલ વાપરીએ છીએ. એ આજે બોલાતી ભાષામાં છે, એ વાંચવું અમને ગમે છે. તમારી પાસે બાઇબલ ન હોય તો અમે એ આપી શકીએ. બાઇબલનું કોઈ પણ ભાષાંતર તપાસો તો તમને આશા અને તારણનો સંદેશો જોવા મળશે.
જે લોકો તમારા સંગઠનમાં જોડાતા નથી, તેઓ સાથે તમે કેમ અભ્યાસ કરો છો?
-
ઈશ્વર યહોવા માટેના પ્રેમને લીધે અમે લોકો સાથે અભ્યાસ ચલાવવા પ્રેરાઈએ છીએ. ઈશ્વર યહોવા ચાહે છે કે તેમના ભક્તો પોતે શીખેલી બાબતો બીજાઓને શીખવે. (માથ્થી ૨૨:૩૭, ૩૮; ૨૮:૧૯, ૨૦) અમે માનીએ છીએ કે “ઈશ્વરના સાથી કામદારો” તરીકે લોકોને બાઇબલમાંથી શીખવવું, એનાથી મોટો બીજો કોઈ લહાવો નથી.—૧ કોરીંથીઓ ૩:૬-૯.
-
અમે પડોશીને એટલે બીજા લોકોને પ્રેમ કરતા હોવાથી તેઓને બાઇબલમાંથી શીખવવા પ્રેરાઈએ છીએ. (માથ્થી ૨૨:૩૯) શીખેલી બાબતો બીજાઓને જણાવવામાં અમને આનંદ મળે છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫.
a વર્ષ ૨૦૨૫માં દર મહિને ૭૬,૦૩,૧૮૨ બાઇબલ અભ્યાસ ચલાવવામાં આવ્યા હતા. કેટલાક અભ્યાસમાં તો ઘણા લોકો બેસતા. તોપણ, એ વર્ષે ફક્ત ૩,૦૪,૬૪૩ લોકો બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બન્યા હતા.

